પાટણ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ. પ્રજાપતિએ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને પોતાની કચેરીમાં આમંત્રિત કર્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકો સાથે ગહન ચર્ચા કરીને તેમના ઉત્કૃષ્ટ કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી.

આ પ્રથમ વખત બન્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકોને પોતાની કચેરીમાં એસ્કોર્ટ કરી પ્રોત્સાહિત કર્યા હોય. આ પહેલથી જિલ્લાના તમામ શિક્ષકોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ પણ ઉપસ્થિત રહી શિક્ષકોના કાર્યોને બિરદાવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શિક્ષકો એક સમાજના નિર્માતા છે. તેઓ વિદ્યાર્થીઓના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવું એ આપણો ફરજ છે. સાંપ્રત સ્થિતિમાં મૂલ્ય શિક્ષણનું મહત્વ પણ ઘણું મહત્વનું છે જેમાં શિક્ષકનું યોગદાન બહુ મહત્વનું હોવાની વાત પણ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી એ કરી હતી.


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોથી શિક્ષકોને પ્રેરણા મળે છે અને તેઓ વધુ સારા કાર્ય કરવા માટે પ્રેરાય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.